Friday, February 5, 2010

મારે ફરી એક વાર શાળાએ જવું છે.

મારે ફરી એક વાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે,
નવી નોટની સુગંધ લેતાં પહેલાં પાને
સુંદર અક્ષરે મારૂં નામ લખવું છે,
મારે ફરી એક વાર શાળાએ જવું છે.
રિસેસ પડતાં જ વોટરબેગ ફેંકી
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે,
જેમ તેમ લંચબોકસ પૂરૂં કરી.. મરચું મીઠું ભભરાવેલ
આમલી-બોર-જમરૂખ-કાકડી બધું ખાવું છે,
સાઇકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય
એવા વિચારો કરતાં રાતે સૂઇ જવું છે,
અનપેક્ષિત રજાના આનંદ માટે
મારે ફરી એક વાર શાળાએ જવું છે.
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે,
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળું કરીને
સાઇકલની રેસ લગાવતાં ઘેર જવું છે
રમત-ગમતના પિરિયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે,
તે ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એક વાર શાળાએ જવું છે.
દિવાળીના વેકેશનની રાહ જોતાં
છમાસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે,
દિવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે,
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડયા પછી
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે,
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા
મારે ફરી એક વાર શાળાએ જવું છે.
કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતાં
પીઠ પર દફતરનો બોજ ઉઠાવવો છે,
ગમે તેવી ગરમીમાં એરકન્ડીશન્ડ ઓફીસ કરતાં
પંખા વિનાના વર્ગમાં બારી ખોલી બેસવું છે,
કેટલીય તૂટફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતાં
બેની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે,
બચપણ પ્રભુની દેણ છે, તુકારામના એ અભંગનો અર્થ
હવે થોડો સમજમાં આવવા માંડયો છે
એ બરાબર છે કે નહીં તે સરને પૂછવું છે,
મારે ફરી એક વાર શાળાએ જવું છે

1 comment: